કાવ્ય-મર્મ: હેમંત ઝવેરી દ્વારા કાવ્ય પઠનની ઓડીયો બુક

અમર હમણાં જ સૂતો છે. - ‘અમર’ પાલનપુરી અમર હમણાં જ સૂતો છે. પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે ! કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે, જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા- બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે. ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા ! સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે. -‘અમર’ પાલનપુરી
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે. અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું? ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું. એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, ‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો ! – કૃષ્ણ દવે
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ -ધ્રુવ ભટ્ટ આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા, અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા? આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં, એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં? આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા, આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા. ઠીક છે, જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું; બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું. આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા, આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા. આવી ગયા તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું, આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું! આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા; આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા. - ધ્રુવ ભટ્ટ
આયખું નાનું - અનિલ કડકિયા આયખું નાનું ને મને ઓરતા અપાર નાનકડી નાવ સામે કેવો પારાવાર?.. આયખું નાનું. કોમળ આ કુંપળ ને માથે આકાશ ઝંખે સૂરજમુખી સુરજ સહવાસ. હું તો છું રાત અને ઝાંખું સવાર. .. આયખું નાનું. માનવીની વચ્ચે હું શોધું છું માનવ. સબરી પણ ઝંખે છે પોતાનો રાઘવ. ચારે બાજુ ભીંત ને મારે ખોલવા છે દ્વાર ... આયખું નાનું. - અનિલ કડકિયા
ઉગાડે એમ કદી - કૃષ્ણ દવેં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન, રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું, આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું, અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં... - કૃષ્ણ દવે
એક સ્માઈલ આપીને - કૃષ્ણ દવે ઘણી મૂરઝાતી પળોને ગુલાલ કરી તેં એક સ્માઇલ આપીને કમાલ કરી તેં કેવી મધથી’યે મીઠ્ઠી ધમાલ કરી તેં ! એક સ્માઈલ આપીને કમાલ કરી તેં આગ લાગી હો એવડી કે બૂઝે નહીં ઘાવ ઊડા હો એટલા કે રૂઝે નહીં આમ અંધારા વ્હેરવાં કાંઈ સહેલાં નથી એક પગલીને મારગ પણ સૂઝે નહીં ત્યારે ખુદને પ્રગટાવી મશાલ કરી તેં એક સ્માઈલ આપીને કમાલ કરી તેં કૈંક આંખોમાં આશાને વાવે તું , પછી ઝરણાથી પાંપણ છલકાવે પણ તું બે'ક ચહેરા પર જ્યારે મુસ્કાન તું બને ઘણાં યુદ્ધો ના યુદ્ધો અટકાવે પણ તું પૂરેપૂરી માનવતાને ન્યાલ કરી તેં એક સ્માઈલ આપીને કમાલ કરી તેં એવાં કેવાં તે આવીને કામણ કીધાં! એકમેકથી અજાણ્યાને જોડી દીધા ધીમે ધીમે ત્યાં વાતોના પંખી ઊતર્યાં પછી સાથે બેસીને એણે સુખદુખ પીધાં કેટકેટલાને સાચવ્યા છે વ્હાલ કરી તેં એક સ્માઈલ આપીને કમાલ કરી તેં. - કૃષ્ણ દવે
એ લોકો.. -પ્રિયકાન્ત મણિયાર એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. તે લોકો છે જ નહીં, એ તો નોટોને ખાઈ ઊછરતી ઊધઈ, બીજું એને ભાવતું નથી. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ! -પ્રિયકાન્ત મણિયાર
ઓચિંતુ કોઇ - ધ્રુવ ભટ્ટ ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે. ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ; એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, તળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે…. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી; વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી, સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે…. - ધ્રુવ ભટ્ટ
કોઇને મદદ કરતા- ગૌરાંગ ઠાકર કોઈને મદદ કરતાં, ટોળાંમાં જે દેખાઈ, એ ક્ષણો ગઝલની છે. આમ માણસાઈની, જોઉં જ્યાં હરીફાઈ, એ ક્ષણો ગઝલની છે. કોઈ ઘરમાં આજે પણ, બાપ લાકડી બદલે દીકરાને ટેકે હોય, જોઉં છું હું જ્યારે કોઈ, દીકરામાં દીકરાઈ, એ ક્ષણો ગઝલની છે. જે ઘડી તમે અહીંયાં, હોવ છો તમારામાં, એ પળે જો એવું થાય, ભીતરે જે વાગે છે, સાંભળી લ્યો શરણાઈ, એ ક્ષણો ગઝલની છે. વહાલ ઘરની ભીંતોમાં, ઘર કરીને રહેતું હો, ને હો વાતો સંવાદી, .દોસ્ત, એવા સરનામે, જાત જ્યારે રોકાઈ, એ ક્ષણો ગઝલની છે. તું કહે મને જ્યારે “માગ માગ માગે તે અબઘડી હું આપી દઉં” બસ પછી હું માગું કે આપ તું કબીરાઈ, એ ક્ષણો ગઝલની છે. - ગૌરાંગ ઠાકર
કોઈ ક્યાંક એક- મુનિ મહેતા કોઈ ક્યાંક એક છોડ વાવતું હશે કોઈ ક્યાંક આશા જગાવતું હશે. ત્રાહિત આ દુનિયામાં, દુઃખિયારી વસ્તીમાં રડતા હજાર વચ્ચે, સુખના અણસાર દઈ કોઈ ક્યાંક કોઈને હસાવતું હશે કોઈ ક્યાંક... તપતી આ રેતીથી, ઊઠે છે હાય, માનવીને માનવીથી, શ્રદ્ધા ઊડી જાય ત્યારે લઈને આશાનાં બીજ હૈયે ઉમંગ કોઈ પ્રેમ ભરી ઝારીથી વિશ્વાસી માટીથી કોઈ નવી આશા જગાવતું હશે. 'મારું મારું' કરે લોક મરૂભૂમિમાં 'આપણા'નું ઝરણું વહાવતું હશે. કોઈ ક્યાંક એક છોડ વાવતું હશે. -મુનિ મહેતા
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં – સ્નેહી પરમાર કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં. – સ્નેહી પરમાર
કયાંક પૃથ્વીને - મકરન્દ દવે ઘરની દીવાલો તૂટે... કયાંક પૃથ્વીને ઊગતી ભાળું તો ભાઈ, મારા ઘરની દીવાલ સહુ તૂટે. ઊડે ઘરબેલ મારો પાયો આકાશમાં ને પથ્થર તો પરપોટા, ફીણ. તે જ કેરા દરિયામાં તરતી નિહાળું મારા અંતરની અંઘારી ખીણ, ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો ભાઈ, મારા પડછાયા પંડના છૂટે, અધખૂલી આંખમાં ઊગે સવાર વળી નિંદરનું ઘેન મને ઘેરે ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ રૂપને વિરૂપમાં વિખેરે, ક્યાંક એવો ઉજાસ લઈ આંજુ કે ભાઈ, મારાં સૂતાં કમળદળ ફૂટે. - મકરન્દ દવે
ખુલ્લી મૂકી વખાર -ધ્રુવ ભટ્ટ ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા જોતી રહી બજાર અમે ચાલતા થયા રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત હરપળ દરેક હાલ અમે ચાલતા થયા ઉલ્લેખ માત્ર થાય ને તો યે નશો રહ્યો એ પી લીધી શરાબ અને ચાલતા થયા અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા આ હાથની લકીર હજુ રોકતી હતી પગનો હતો મિજાજ અમે ચાલતા થયા ચર્ચા કશેય પહોંચવાની કયાં કરી હતી મંઝિલની છોડ વાત અમે ચાલતા થયા -ધ્રુવ ભટ્ટ
ગજવામાં ભરી લેને!- મનંહર મોદી કહું છું ખાસ વારંવાર ગજવામાં ભરી લેને! ક્ષણો બે-ચાર ઝરમરદાર ગજવામાં ભરી લેનેા કદી ઠોકર, કદી હલચલ, કદી પડવું ફક્ત પડવું બધું આ કામનું છે ચાર, ગજવામાં ભરી લેનેા હવા પંખી પવન પૃષ્પો અને મોટા ઘણા કાંટા વળી થોડા તૂટેલા તાર, ગજવામાં ભરી લેને! | - મનંહર મોદી
ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને —પારુલ ખખ્ખર ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને મથુરાએ ખોંખારા ખાધા, કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા..... ગુલ્લાબી કાગળને ખોલીને જોયું તો બીડયો'તો કેવળ સન્નાટો પટરાણી બોલ્યા કે ગર્વીલી રાધાને લઇ ગઇ છે હુશિયારી આંટો જાણતલ તેડાવો કાગળ ઉકેલો ભૈ આપણે તો ભાષાના વાંધા કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા..... માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું યે છું મૂરખનો જામ, કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેરઠેર આમ ! મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો શું રે જવાબ દઇશ માધા? કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા..... હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી કાનાએ કાગળને ખોલ્યો, આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ અને એ બાજુ કાગળ ન બોલ્યો આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા કાગળ પર લખ્યું'તું કાનાને પહોંચે ને લિખિતંગમાં નામ હતું રાધા..... —પારુલ ખખ્ખર
ઘરે હાશ પાછા- ધ્રુવ ભટ્ટ ઘરે હાશ પાછા જવાનું બન્યું લો હવે પોત મારું હવાનું બન્યું લો.... મહાજ્ઞાન અજ્ઞાન જંગલની વચ્ચે ચરણ ચાર ચાલી જવાનું બન્યું લો.... હતી જે મુલાકાત જન્મોથી બાકી મને મારી સન્મુખ થવાનું બન્યું લો.... મતિ પાર જઈએ પછી સાંપડે તે સહજ વાતમાં પામવાનું બન્યું લો.... હવે હાથ તારો અમારો થયો ને ન કાંઈ કશે સાહવાનું બન્યું લો.... ગયા તો કશે પણ નથી તે છતાંયે પરત ક્યાંકથી આવવાનું બન્યું લો.... -ધ્રુવ ભટ્ટ
ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, - ગૌરાંગ ઠાકર ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ. બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ, એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ. કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા, વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ. કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત, એકબીજાના ખભે એને ચલાવી જોઈએ. બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે, આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ. -ગૌરાંગ ઠાકર
છાપરા ઉપર ટપ ટપ - મુકેશ જોષી છાપરા ઉપર ટપટપ ટપકતું સંગીત મનને હિંચકો ખવરાવી શકે પણ, કાન ને ટેવ જ નથી, વરસાદ ના વાજિંત્રો સાંભળવાની. જીભ ઉપર વરસાદ નું ટીપું મુકવાથી આખા શરીર માં ધીમે ધીમે રોમાંચ ફેલાઈ જાય પણ, જીભને વરસાદમાં, ગેબ નો પરસાદ પરખાતો જ નથી હું મારી અભણ ઇન્દ્રિયોથી માત્ર કેટલા ઇંચ વરસાદ શહેર માં પડ્યો એના સમાચાર ટી વી માં જોયા કરું છું સામેની ઝુંપડીમાં થોડું થોડું પાણી ભરવા લાગ્યું છે એની ચિંતા વગર એક વૃદ્ધ બે ચાર બાળકો સાથે ગીત ગાય છે: કયાં છે ઉની રોટલી, કયાં છે ઉનું શાક તો પણ તું મહેમાન છે, આવ રે વરસાદ. -મુકેશ જોશી.
જિંદગી પસંદ - મકરન્દ દવે જિંદગી પસંદ મને જિંદગી પસંદ! મોતની મજાક ભરી મોજના મિજાજ ધરી ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. નૌબનૌ સુગંધ મહી જાય જે અબંધ વહી તાજગી ભરેલ એ તવંગરી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. સલામ હી હિસાબને કલમ અને કિતાબને જમા-ઉધારને જલાવતી મજલ પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. ગુલબહારી મ્હેક સમી એ હયાતી એક ગમી ફોરમે રમી રહી ફનાગીરી પસંદ! જિંદગી પસંદ મને જિંદગી પસંદ. મોતની મજાક સમી જિંદગી પસંદ! - મકરન્દ દવે
જે સાચું કે ખોટું- ગૌરાંગ ઠાકર જે સાચું કે ખોટું થવાનું થશે, ચરણ તો ઉપાડું થવાનું થશે. ઘણાએ કહ્યું ઘાત પાણીની છે, કિનારે શું ન્હાવું થવાનું થશે. મને દુ:ખની ફરિયાદ ગમતી નથી, વધારે કે ઓછું થવાનું થશે. બધાએ કહ્યું એમ કરવું નથી, હું મારો તો લાગું! થવાનું થશે. મને કોઈપણ રીતે તું જોઈએ, આ હોવાપણાનું થવાનું થશે. આ શબ્દો જ મારું ગમે એ કરે, મૂકી દઉં છું માથું થવાનું થશે. અહીં કોઈનાં આંસુ લૂંછી શકું, નથી એમ કહેવું થવાનું થશે. - ગૌરાંગ ઠાકર
જ્યારે સૂજે ના- સુધીર પટેલ જ્યારે સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ; ભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ. પુસ્તક સઘળાં બંધ કરી દ્યો, આંખોને પણ મીંચી દ્યો, મેળે મેળે મળશે ઉત્તર, મૂંગામંતર થઈ જુઓ. હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની, મનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઈ જુઓ. દર્પણ દર્પણ ભટકો નહિ ને બિંબ બધાં ફોડી નાખો, ખુદને મળશો ખુદની અંદર, મૂંગામંતર થઈ જુઓ. જળતરંગ માફક ઊઠો ને ત્યાં સુધી પહોંચો ‘સુધીર' ખુદ થઈ જાશો સુંદર સરવર, મૂંગામંતર થઈ જુઓ. - સુધીર પટેલ
ટાઢ કે તડકો -ધ્રુવ ભટ્ટ ટાઢ કે તડકો અને વરસાદનું પડવું કવિતા આવવું જાવું બીછડવું ને ફરી મળવું કવિતા એ મહામસ શૂન્યમાંથી આવનારા આપણું પૂર્ણતા કાજે જીવનભર આથડ્યા કરવું કવિતા માત્ર શબ્દો ચીતરી કોઈ રચી શકતું નથી કોઈવારે શબ્દનું નિઃશબ્દ થઈ રહેવું કવિતા આ જગ્યા તો એકલા ચાલ્યા જવાનો માર્ગ છે આવીને આખર વિસામે કોઈનું મળવું કવિતા આયનામાં ફક્ત હું હોઈ શકું સંભવ નથી સેંકડો પ્રતિબિંબ વચ્ચે આપણું જડવું કવિતા પાંખમાં પ્રોવાઈ જઈ આકાશની સીમા વળોટી પિચ્છનું હળવાશથી નીચે તરફ ખરવું કવિતા હાથ લાગ્યા જીર્ણ કાગળિયે ઝીણું ટાંકણ કરી હો રહો યા વત્ સવિતા એટલું કહેવું કવિતા -ધ્રુવ ભટ્ટ
ટીલાં ટપકાં કંઠી -કિશોર બારોટ ટીલાં ટપકાં કંઠી માળા જેવા ના કોઈ તંત, વસંત ખીલવે જે જીવનમાં સમજો સાચા સંત. દુનિયાના ત્રાજવડેથી એ ના કોઈને જોખે, વ્હાલતણા કંકુચોખાથી હર માનવને પોંખે. કૈંક જનમનાં કાટ પીધેલાં જીવતર હેતે માંજે, આંસુ લૂછી આંખોથી તે નમણાં સપનાં આંજે. તેને જોવો હર હૈયામાં હરખાતો ભગવંત, વસંત ખીલવે જે જીવનમાં સમજો સાચા સંત. મનની પાટીમાંથી ભૂંસે હળવે હાથે વ્હેમ. રેતી પરના અક્ષર દરિયો ભૂંસી નાખે જેમ. તેના શબ્દે સૂરજ ઊગે, અંધારાં ઓગાળે, પાપ પખાળી નાખીને, સત્કર્મો પંથે વાળે. માનવ ને માધવની વચ્ચે જોડે તાર જીવંત. વસંત ખીલવે જે જીવનમાં સમજો સાચા સંત. -કિશોર બારોટ
ડગલે પગલે ડરી-ડરીને -કિશોર બારોટ ડગલે પગલે ડરી-ડરીને, મૃત્યું પહેલાં શું મરવાનું?, પળ-પળ પારિજાત બનાવી, જીવતરને “જલસો” કરવાનું. લેખ બધાં ફૂલોના જુદા, છો ને એક જ ડાળે ઊગે, કોઈ ફ્લાવરવાઝ સજાવે, કોઈ ઠાકર ચરણે પૂગે, સોય પરોવી કાયા વીંધી, કોઈ એને ગજરે ગૂંથે, કોઈ નનામી પર વેરે તો કોઈ અત્તર કરવા ચૂંથે, ફૂલો એક જ પાઠ શીખ્યાં છે, હર હાલતમાં ફોરમવાનું, પળ-પળ પારિજાત બનાવી, જીવતરને ‘જલસો’ કરવાનું. અણગમતી સૌ ઘટનામાંથી શોધો તો ‘ગમતું’ મળવાનું, અણગમતાને આઘુ રાખી ગમતું હૈયે સંઘરવાનું, જીવન કોશે “અરે……અરે’ ને ‘હાય…હાય’ના શબ્દો ભૂંસી, સ્મિત વડે હોઠો શણગારી લેવા જલ્દી આંસુ લૂછી, કેલેન્ડરનું પાનેપાનું ઉત્સવ માની ઊજવવાનું, પળ-પળ પારિજાત બનાવી, જીવતરને “જલસો” કરવાનું. -કિશોર બારોટ
ઢેફું સમજીને- કૃષ્ણ દવે ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો ? આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ? મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો અમને શું ફેર પડે બોલો ? વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો ! અમને શું ફેર પડે બોલો ? આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ? એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો! અમને શું ફેર પડે બોલો ? – કૃષ્ણ દવે
તડકો ને ટાઢ - ધ્રુવ ભટ્ટ તડકો ને ટાઢ અને ઘેલો વરસાદ બધું મારામાં વિસ્તરતું જાય છે કોઈ પૂછે જ્યાં અમને શું થાય છે ઓતરાદા દખણાદા વાયરા અડ્યા ને હું ઓચિંતો ઊંઘમાંથી જાગ્યો પંખીની જેમ પછી ખોલી બે પાંખ અને આંખોની આરપાર ભાગ્યો પછી ભૂરું, ને ધોળું ને ગાંડું આકાશ કોઈ મારામાં ચીતરતું જાય છે કોઈ પૂછે જ્યાં અમને શું થાય છે… અમથો જરાક એક દોરડાનો ઝૂલો મેં લીમડીની ડાળ હેઠ સાધ્યો એકાદી ઠેસ હજી લાગી ન લાગી હું મૂળ સુધી ઝાડ મને લાગ્યો બીજો હિલ્લોળ અને આખું બ્રહ્માંડ ક્યાંક મારામાં ભીતરતું જાય છે કોઈ પૂછે જ્યાં અમને શું થાય છે… -ધ્રુવ ભટ્ટ
તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા તને ખોટું જો લાગે તો હું શું કરું? મને આછકલું અડવાની ટેવ. હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને; મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને. તને ભીનું ન લાગે તો હું શું કરું? મને કોરુંકટ રડવાની ટેવ. રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે? ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે? તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર મને ઊછળતા દરિયાની ટેવ. હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો; અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો. તારે કહેવી હો હા ને તોય તું શું કરે તને ના રે ના કરવાની ટેવ. – હિતેન આનંદપરા
તમે ખોબો ધરો- ધ્રુવ ભટ્ટ તમે ખોબો ધરો તો હેલ છલકાવી દઉં અરે ધોમ ધખ્યા સૂરજને મલકાવી દઉં કાળઝાળ ઉનાળા પાથરો તમે ને મને ચોમાસાં ચીતરતાં આવડે પાણીમાં પડછાયો ભાળજો જરા કે મને રોમરોમ નીતરતાં આવડે જરા ઊંચે જુઓ તો આંખ સરકાવી લઉં અને આખું આકાશ દૂર ફરકાવી દઉં તમે ખોબો ધરો તો હેલ છલકાવી દઉં કૂવામાં ઊતરવું ધારીએ તો દોરડાને છૂટે નૈ એમ ગાંઠી વાળીએ ધારીએ તો ફૂલ ભણી દોડતાં જવાય એમ ખુલ્લી તલવાર ભણી ચાલીએ તમે ધારો તે ધારણાને વરતાવી લઉં અને હમણાં ઊડુંની પાંખ ફરકાવી દઉં તમે ખોબો ધરો તો હેલ છલકાવી દઉં -ધ્રુવ ભટ્ટ
તમે ગાયા આકાશ- ધ્રુવ ભટ્ટ તમે ગાયાં આકાશ ભરી પ્રીતે તે ગીત કહો મારાં કહેવાય કઇ રીતે? ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ જે પ્રેમ કરી પામે તે જીતે તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે? અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો પીડા એવી કે સહેવાય નહીં એટલું જ હોય અને એટલાંક હોવાના મથુરાને ગોકુળ કહેવાય નહીં અમે આપ્યાં જે દેવકીની રીતે તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે? - ધ્રુવ ભટ્ટ
તમે બસ સાબદા રે’જો -સુધીર પટેલ અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રે’જો ખૂટી જાશે બધાં અંજળ, તમે બસ સાબદા રે’જો.... નહીં જળ કે પછી મૃગજળ, તમે બસ સાબદા રે’જો ન આગળ કે કશું પાછળ, તમે બસ સાબદા રે’જો.... નહીં ફાવે કશીયે કળ, તમે બસ સાબદા રે’જો ખરી પડશે બધી અટકળ, તમે બસ સાબદા રે’જો.... ઉઘાડી ભીતરે સાંકળ, તમે બસ સાબદા રે’જો સિલકમાં એક કે બે પળ, તમે બસ સાબદા રે’જો.... વધી જાશે શગે ઝળહળ, તમે બસ સાબદા રે’જો ઉકેલીને સ્વયંના સળ, મે બસ સાબદા રે’જો.... ગઝલ ‘સુધીર’ વહે ખળખળ, તમે બસ સાબદા રે’જો શબદનાં ફોડીને શ્રીફળ, તમે બસ સાબદા રે’જો..... -સુધીર પટેલ
ત્રીસમી જાન્યુઆરી -માધવ રામાનુજ ૧૯૭૦ ગાંધી નિર્વાણદિન સવારે સૂર્ય તો ઊગ્યો હતો ! મેં આંખ ચોળી ભીંત પર જોયું : તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો ! દાયકાઓ વીતતાં શી વાર ? પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે ! જેમાં,તમારા શ્વાસનીછેલ્લી ગતિ કંપી હશે ! -તમને નહીં ,એ – એક ક્ષણનેકેટલું વીત્યું હશે ; જેમાં, તમારા શ્વાસનીછેલ્લી ગતિ કંપી હશે ! એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય -જેણે એક સાથે સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે ! …બીજી સવારે સૂર્યમાંએ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ઊગ્યું હશે … ને એ પછી ?ને એ પછી ?ને એ પછી ? દાયકાઓ વીતતાં શી વાર ? -માધવ રામાનુજ
દરિયાની છાતી પર- ધ્રુવ ભટ્ટ દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે.... હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેમ ધરતીને સાંપડી સુગંધ આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે.... પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે.... -ધ્રુવ ભટ્ટ
ન જાણ્યો દોડવાનો અર્થ – હરજીવન દાફડા ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા, ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા..... ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર, અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા..... નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે, અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા..... છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને, અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા..... – હરજીવન દાફડા
નાનકુડા એક ઝાડવાએ – કૃષ્ણ દવે નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે – વાત શું કરે ? એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ? પડછાયા ને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો ? હાંફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમાં હોય છે આખ્ખો વેદ જાણો છો ? એકલી લૂ ના આમ ફૂંફાડા મારવાથી કાંઇ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઇના લીલા દિવાડા ઠરે ? વાત શું કરે ? કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતુ હોય છે શું ડાળીઓની રંગીન છટામાં ? અકળાયેલો આકરો સૂરજ અમથો કદિ ખાબકે લીલીછમ ઘટામાં ? પાર પેલેથી લ્હેરખી સાથે એ ય નીંરાતે બેસવા આવેલ ટહુકાઓનુ કરવા સ્વાગત કોઇ કદિ કાંઇ ઝાંઝવા ધરે ? વાત શું કરે ? તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના – સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ? – કૃષ્ણ દવે
પગલાં રહ્યાં -સુધીર પટેલ પગલાં રહ્યાં છે. કોના? સૌ લુપ્ત થૈ જવાના; બંધન બધાં જ તોડી, એ. મુક્ત થૈ જવાના!.... એ તો સુગંધ છે, ક્યાં સુધી અલગ રહેશો? એક લ્હેરખીમાં એનાર્થી યુક્ત થે જવાના!.... ખીલ્યું ગગન કમળ સમ, ઝબકી રહ્યાં રહસ્યો; ઝપકી નજર ઘડીભર તો ગુપ્ત થે જવાના!.... એવી તરસ નથી આ કે જળ મળે મટી જાય, આંસુ ઝરે ખરાં બે, તો તૃપ્ત થે જવાના!.... જાગૃત મૌન કરશું. તળમાં જ એમ 'સુધીર', શબ્દો સપાટી પૅરનાં સુષુપ્ત થે જવાના!.... -સુધીર પટેલ
પપ્પા તમને ભેટી પડું? - હિતેન આનંદપરા પપ્પા તમને ભેટી પડું? એક્કે અક્ષર ના બોલું, આંખો પણ હું ના ખોલું તમે દીધેલી સોનેરી પળને ગદ્‍ગદ થઈને સ્મરું! અમને આપ્યાં અજવાળાં ને અંધારાં ખુદ ઓઢ્યાં અમે તમારી નિશ્રામાં નિરાંતને જીવે પોઢ્યા અમને ઝાલી પા-પા પગલી પડાવી આ જગતમાં, જીવન શું છે એ સમજાવ્યુઅમને રમત રમતમાં, પગભર થાવાના રસ્તાઓ સહજ રીતે શીખવાડ્યા વચન નથી આપ્યાં ને તોયે મૂંગા મોઢે પાળ્યાં પપ્પા તમારા ચરણકમળમાં શ્વાસોનાં ફૂલ ધરું!...પપ્પા તમને ભેટી પડું? ઘેઘૂર વડનો છાંયો આપી અમને દીધી ઉડાન તમે બનાવ્યું ઘર - જે પહેલાં કહેવાતું’તું મકાન પગદંડીથી રાજમાર્ગની સફર તમે કરાવી, બધ્ધી ખુશી તમારીઅમારા રસ્તા પર બીછાવી. હૂંફ નામનું છત્તર છે ને છાયા પ્રેમભરી અમારે માટે તમે મૃત્યુની ક્ષણને પાછી કરી પપ્પા તમે વ્હાલપની ચાવી, હું અબુધ રમકડું...પપ્પા તમને ભેટી પડું? - હિતેન આનંદપરા (મુંબઈ)
પામ્યા તેને - ડૉ.વસંત પરીખ પામ્યા તેને માપ્યું નહીં ને માપીને ના પામ્યા, માણ્યું તેનું ગાણું નહીં ને રહ્યું તેની ખંજવાળ મન તું ભીતરને અજવાળ. વરસ્યું એથી વિશ્રામ નહીં ને કોરાનો કચવાટ, મળ્યું તેની મસ્તી નહીં ને ખૂટ્યું તેનો કકળાટ મન તું ભીતરને અજવાળ. ઝંખતા ઝંખતા જાંખ પડી ને, શોધતા શોધતા સાંજ, જડ્યું તેને જાળવ્યું નહીં ને ખોયું તેનો ચચરાટ મન તું ભીતરને અજવાળ. ગાયું તે તો ગીત નહીં ને સૂણ્યું નહીં સંગીત અલખના જ્યારે સૂર રેલાયા સૂનો હતો દરબાર મન તું ભીતરને અજવાળ. - ડૉ.વસંત પરીખ
પ્રારબ્ધને અહીં -નરેન્દ્ર મોદી પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું..... ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું.... પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં હું પોતે જ મારો વંશજ છું હું પોતે મારો વારસ છું.... પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. -નરેન્દ્ર મોદી
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં – રમેશ પારેખ ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું.... બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં કે શમણે આવેલ મોર બોલ્યા ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું.... ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ અને હું રે વેરાઈ જઉં રાનમાં મારી હથેળીમાંય એવી રેખાઓ જેવી રેખા છે ખાખરાના પાનમાં લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?.... ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું – રમેશ પારેખ
ફૂલ ઝરંતો હાથ લઈને – રિષભ મહેતા ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે ! સાંજ ઢળ્યાની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને, કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે..... તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર, ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી; સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા, ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે..... ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું, પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું; જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે..... ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો; ‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે..... – રિષભ મહેતા
બધી ભાષા ભુલાઈ જાય એવો - ધ્રુવ ભટ્ટ બધી ભાષા ભુલાઈ જાય એવો વરસાદ, હવે કેવો વરસાદ કેમ બોલું, પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયાં ખોલું. ધોધમાર, ગાંડો કે સાંબેલાધાર, બધો અક્ષરનો ઠાલો અસબાબ છે, સૌને વરસાદ એનાં ખાનગી ઉખાણાંનો સાગમટે જડતો જવાબ છે. વરસ્યાની વાત નહી આ તો વરસાદ છે તે કેવો વરસાદ કેમ બોલું? પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયાં ખોલું. ઘરની શી વાત અહી ફળીયું નહી રસ્તો નહી પાદર કે ગામ હવે ક્યાં છે? મારું પણ એકવાર ઘોડિયું હીચોળીને પાડેલું નામ હતું ક્યાં છે? હોવું પણ નીતરતાં ડુંગરની જેમ ઊભું એવો વરસાદ કેમ બોલું? બધી ભાષા ભુલાઈ જાય એવો વરસાદ, હવે કેવો વરસાદ કેમ બોલું, - ધ્રુવ ભટ્ટ
બે પાય ધરવા જેટલી -નિરંજન ભગત બે પાય ધરવા જેટલી મારે જગા બસ જોઈએ, એથી વધારે તો હજી ક્યારેય તે રોકી નથીને કોઈએ! જ્યાં જ્યાં ફરું, ટટાર હું જેની પરે ઊભો રહ્યો -- બે પાય તે જ્યા જયાં ધરૂ ને હેઠ પૃથ્વી જેટલી કંઈ માય તે મારી! અને બાકી રહી જે સૃષ્ટિ સારી તે હશે કોની મને પરવા નથી, ને એકસાથે બે જગા પર પાય તો ધરવા નથી. -નિરંજન ભગત
ભજન કરે તે જીતે -મકરંદ દવે વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે! રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતાં પાડી એમાં તું નહીં ખાટે. સ્હેલીશ તું સાગરમોજે કે પડ્યો રહીશ પછીતે? રે મનવા, ભજન કરે તે જીતે. આવ, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને વરવાં, નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા? ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે. રે મનવા, ભજન કરે તે જીતે. -મકરંદ દવે
ભલે હોય ગજવું - કિશોર બારોટ ભલે હોય ગજવું ભરેલું કે ખાલી, ભીતર મોજની એ જ જાહોજલાલી. કર્યો જો હશે હાથ લાંબો કદાચિત, અમે માત્ર માંગી હશે હાથતાલી. થશે એ જ નક્કી જે ધાર્યું ધણીએ, પછી શાને કરવી ફિકર સાવ ઠાલી? મળે રોટલો ના તો ઉપવાસ માનું, હું વ્હેંચી જમું, જો ભરેલી હો થાલી. જીવન એક ઉત્સવ ગણી હું જીવું છું, દિવસભર ધુળેટી ને રાતે દિવાળી. મુબારક તને તારા અબજોની ચિંતા, મને મારી મૌજે ફકીરી છે વ્હાલી -કિશોર બારોટ
ભીતરે અંકાય એવું લખ હવે, -હિમલ પંડ્યા ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;.... શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;.... નફરતોની આ નદી પર પ્રેમના- સેતુઓ સર્જાય એવું લખ હવે;.... કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે, કોઈ એને ગાય, એવું લખ હવે;.... નામ તારું આપમેળે થઇ જશે, પાંચમાં પૂછાય એવું લખ હવે;.... હો નવી પેઢીનો તું શાયર ભલે; વારસો સચવાય એવું લખ હવે;.... -હિમલ પંડ્યા
રખડપટ્ટી નરી - ફિરદોશ દેખૈયા રખડપટ્ટી,નરી યાયાવરી ને મોજ, બીજું કૈં અમે કરતા નથી. કદી પૂરી ન થાયે એવી કરતા ખોજ, બીજું કૈં અમે કરતા નથી..... ફુટે જ્યાં અંતરે ગાણું, અમારું એ જ તો નાણું, અમીરી એ ખરી, અહીં ભરપૂર મસ્તીના છલોછલ હોજ, બીજું કૈં અમે કરતા નથી..... હવે રસ્તા ઉપરના માઈલના પથ્થર હટાવી દો, નથી ખપના કશા, મુસાફર જીવને કેવળ સફરની મોજ, બીજું કૈં અમે કરતા નથી..... ભર્યા દરબાર છોડીને, સકળ સરકાર તોડીને, અમે નીકળી જશું જૂની ફિતરત અમારી, રાખીએ ના બોજ, બીજું કૈં અમે કરતા નથી..... -ફિરદૌસ દેખૈયા
લઇ કદી સરનામું મંદિરનું - ભાર્ગવ જોષી લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી.! જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.! અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં .. થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી.! હશે મન સાફ તો .. અંતરમાં બિરાજે છે તું આપોઆપ.! દીધું છે… ને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી.! હજી માણસ જ સમજ્યો છે ક્યાં, માણસની ભાષા.!? તારામાં લીન થાઉં, એથી વિશેષ માણસ બનવું નથી.!! - ભાર્ગવ જોષી
લો ચાર લીટીનો- ધ્રુવ ભટ્ટ લો….. ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા. આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા. - ધ્રુવ ભટ્ટ
સહજ મળ્યું તે - લાલજી કાનપરિયા સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું, ખળખળતા ઝરણાનું પાણી અમરત જાણી પીધું ! આવળ-બાવળનાં ફૂલોમાં રૂ૫ ગુલાબી દીઠાં, વગડામાં ભમતાં લાગે ચણીબોર પણ મીઠાં ! ક્ષણ ક્ષણ જીન ડંખે એવું કરમ ન એક્કે કીધું, સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું. ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું, મણ ની લાલચ છોડી, આતમને અજવાળે મેં તો ધરમ ધજાયું ખોડી ! આડો-અવળો મારગ મેલી જાવું છે ઘર સીધું, સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું ! - શ્રી લાલજી કાનપરિયા
સાંભળ્યું છે કે.. – સુધીર પટેલ સાંભળ્યું છે કે એ હજીયે સાંભળે છે ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે રાહ જોનારાઓને કાયમ મળે છે સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ આમ જુઓ તો બધે એ ઝળહળે છે સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે સાંભળ્યું છે વજ્ર થી પણ છે કઠણ એ જાત સળગે મીણ જેવું પીગળે છે સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર’ તો ય ધારો એ રૂપે તમને ફળે છે – સુધીર પટેલ
સુખ અને દુ:ખની ડબલ સવારી -મુકેશ જોષી સુખ અને દુ:ખની ડબલ સવારી રસ્તા ઉપર જોઇ. દુ:ખના પગ લાંબા તે આગળ બેસી પેંડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું દુ:ખ પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સહુને લાગે દુ:ખ આવે છે, કોઈ સમજતું નથી કે દુ:ખ પાછળ બેસાડી સુખ લાવે છે. દુ:ખ તોફાની, રસ્તા ઉપર ગમે તેને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે તેને એ અડવું ન ચુકે, ને સુખ જો દુ:ખનો વાદ લઇને અડવા માટે જાય, ખાલી તાલી દેવા જાય, ત્યાં તો દુ:ખ સાયકલ મારી મૂકે. એક જ દિ'માં દુ:ખને હજારો જણને મળવાનું, બોલો ધીમી ગતિએ જાય તો ક્યાંથી ફાવે ? સુખને તો બેચાર જણાને મળી લીધું કે સાયકલ ઉપર બેઠું બેઠું નસકોરા બોલાવે, કદી તમારાં ઘરની પાસે સાઈકલ પાર્ક કરેલી મળશે, સમજી લેજો સુખ ને દુ:ખની જોડી હમણાં આવી ચડશે. મળી જાય તો બંને જણનું હ્રદય ભરીને સ્વાગત કરજો, બની શકે તો દુ:ખની સાથે બેસીને ચા-પાણી કરજો સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહોને સહી શકે ના અને દુ:ખની એ પીડા છે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના વાત બધા એ જાણે કીન્તુ દુ:ખથી સૌ એ ડર્યા કરે છે અને કોઇ મારો સત્કાર કરશે એવી આશા લઇને દુ:ખ યુગો યુગોથી સાઈકલ પર સુખને લઇને ફર્યા કરે છે. -મુકેશ જોષી
સુખનું લોકેશન -કૃષ્ણ દવે કહે નથી શું આપ્યું ? પણ તેં તો તારી ફૂટપટ્ટીથી જ બધુંયે માપ્યું કહે નથી શું આપ્યું ? સરસ મજાનો ચહેરો આપ્યો ઉપર આપ્યું સ્માઇલ તોય હજી તું ક્વેરી કાઢે ફંફોસીને ફાઇલ પૂરે પૂરું પાસ કર્યું લ્યા નથી કશું‘યે કાપ્યું કહે નથી શું આપ્યું ? ટેવ પડી ભાઈ વાતે વાતે તને પડે કાં વાંકું ? શ્વાસ મજાનાં ચાલે તો પણ એમાં ગોતે ફાંકું ? જંપ્યુ ના જંપ્યુ જ્યાં બે પળ ત્યાં ડૂંભાણું ચાપ્યું ! કહે નથી શું આપ્યું ? જોઈ ઝાંઝવા પગે પડે તું ક્યાં ક્યાં ફાંફા મારે ? પડછાયાને પકડી લેવા દોટ મૂકે અંધારે સુખનું તો લોકેશન ભીતર,બહાર નથી કંઈ છાપ્યું ! કહે નથી શું આપ્યું ? - કૃષ્ણ દવે
શબરીએ બોર કદી – વિશનજી નાગડા શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? એણે જીભે તો રાખ્યા’તા રામને ! એક પછી એક બોર ચાખવાનું નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,..... શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના કાંટા જરૂર એને વાગ્યા હશે, લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી, એક એક બોરને લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં? લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,.... શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને, કેટલીયે વાર એણે તાકી હશે ? રામરામ રાત દિ’ કરતાં રટણ, ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે? હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં? ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને..... શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા
શેઢે બેઠો છે... -કિશોર બારોટ શેઢે બેઠો છે કિરતાર, મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર. શેઢે બેઠો છે કિરતાર. હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વરસે. મેં વાવેલા દાણે દાણે હેત હૂંફાળું સ્પર્શે, ક્યારે ક્યારે લીલપ થઈ છલકાતો પારાવાર. શેઢે બેઠો છે કિરતાર. નીંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો, ડુંડે સાચાં મોચીનું તે ભરત રૂપાળું ભરતો. છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર. શેઢે બેઠો છે કિરતાર. મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકાતી. અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી. ભાગ ન માગે ને યશ આપે આ કેવો વહેવાર? શેઢે બેઠો છે કિરતાર. -કિશોર બારોટ
હજી સમય છે—જયંત પાઠક હજી સમય છે : કોરા કોરા રણની ધારે વ્હેતા આ ઝરણાની હારે આલા લીલા વગડા કેરો મૃગજળમાં કૈં ભેજ ભરો તો થોડો થોડો પ્રેમ કરો તો…..હજી સમય છે ખરખર ઝાડ ખરે છે પીળાં પીળાં પાન પછાડી કૂંપળ ફૂટું ફૂંટું કરે છે કોડ કૂંપળના કાન ધરો ને થોડો થોડો પ્રેમ કરો તો…. હજી સમય છે આગ નથી લાગી પાણીમાં ટહુકા કૈંક તરે વાણીમાં હજી હસે છે માણસ એના સ્મિત સામે સ્મિત કરોતો ભલે જરા મોડો તો મોડો થોડો થોડો પ્રેમ કરો તો….. હજી સમય છે. —જયંત પાઠક
હરિ મને ભીતર પાછી - હર્ષા દવે હરિ! મને ભીતર પાછી વાળો.. ધસમસતા વહેતાં આ હું-પણાની ફરતે બાંધો પાળો... શ્વાસોના હણહણતા અશ્વો અંધારામાં દોડે.. લખચોરાશી ભગવાં અંજળ ડગલે પગલે તોડે... રંગ ને રંગારા વચ્ચે મેં પાડી દીધો ગાળો.. હરિ! મને ભીતર પાછી વાળો.. આડીઅવળી આંટીઘૂંટીને હવે ઉકેલી આપો.. મારી અધુરી ઈચ્છાઓને શમણાં પડખે સ્થાપો... ઊંડા તળઘટ સમા જીવતરનો બ્હાર મળ્યો ના તાળો... હરિ! મને ભીતર પાછી વાળો... - હર્ષા દવે
હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરીયા હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારોબાર રાખ્યો તેં. એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તેં. હું કોણ છું કોઈ દિ’ કળી ન શકું, ભેદ પણ ભારોભાર રાખ્યો તેં. આંખમાં દઇ નિરાંતનું સપનું, દોડતો મારોમાર રાખ્યો તેં. શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા, મોતની હારોહાર રાખ્યો તેં. – મનોજ ખંડેરીયા
હું ને ક્યાંથી- ધ્રુવ ભટ્ટ હું ને ક્યાંથી મારા અવતારોમાં મોકલતું આ કોણ ક્યાંથી અમને પ્રાણ જડે છે ક્યાંથી મળતાં પોત ક્યાંથી જાગું આમ અચાનક ક્યાંથી પ્રગટે જ્યોત હું ને ક્યાંથી મારા અવતારોમાં મોકલતું આ કોણ કોણ મજાની વાચા દે ને ક્યાંથી આપે બોલ ક્યાંથી અમને ગાણાં ઉતરે ગાણે ચડતું કોણ હું ને ક્યાંથી મારા અવતારોમાં મોકલતું આ કોણ કોણે આપ્યાં સ્વાસ ગણીને, શ્વાસે ટાંક્યા મોર કોણ પછી આ ટીપે ટીપે પણ સરકે ધનધોર હું ને ક્યાંથી મારા અવતારોમાં મોકલતું આ કોણ - ધ્રુવ ભટ્ટ
હુંફ જેવું - મેહુલ ભટ્ટ હૂંફ જેવું કંઈક ઉછીનું મળતું હોય તો ચાહું, રોજ સવારે જાગું ત્યારે સૂરજ સામે શીશ ઝુકાવી પ્રભુ, નામ તમારું માંગું. હોંકારો તો આપો ભલે ઉછીનો, એકલો હોઉં ત્યારે પડખું કોઈકનું લાગે ઝાડવા સાથે વાત કરું અને વાદળ સાથે પ્રેમ, બધું જ સાથે ભેળું કર્યું અને કંઈજ નથીનો વ્હેમ. આવો વાડીએ ભેળા થઈએ અને ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે પ્રેમ, પંખીનો ટહુકો એ ગીત અમારું અને તમારું આવવું સ્મિત હૂંફ જેવું કંઈક ઉછીનું મળતું હોય તો ચાહું, રોજ સવારે જાગું ત્યારે સૂરજ સામે શીશ ઝુકાવી પ્રભુ નામ તમારું માગું. -મેહુલ ભટ્ટ
હોય ઇચ્છા -સુધીર પટેલ હોય ઇચ્છા તો છેક લૈ જાશે, ત્યાં સુધી એની મહેંક લૈ જાશે. કોઈ ટેકણ ન હોય તો કૈ નહિ, ટૂંક પર તમને ટેક લૈ જાશે! થે જશે ધૈર્યની કસોટી પણ, ત્યાં મનોયત્ન નેક લૈ જાશે. ભીતરે એકલા જવું પડશે, બ્હાર બીજે અનેક લૈ જાશે! સત્ય છેવટનું શોધવા ‘સુધીર', આ ગઝલ-આહ્લેક લૈ જાશે -સુધીર પટેલ
હોય સવારે એવો -પ્રતાપસિંહ ડાભી હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો નથી ખબર કયાં ગામ જૂનાગઢ, ના નરસી’નું નામ સુણ્યું છે મનથી નાચે ઝાંઝ પખાજે, એ માણસને શોધી કાઢો.... સૂટ-બૂટ હો છોને પહેર્યો, પણ ભગવું છે ભીતર જેનું જેમાં એક કબીર બિરાજે, એ માણસને શોધી કાઢો.... વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા નિર્મળ મન પાંચેય નમાજે, એ માણસને શોધી કાઢો.... સમય પડ્યે સઘળું છોડીને, સિંહ સમી જે ત્રાડ કરે છે અમથો અમથો જે ના ગાજે, એ માણસને શોધી કાઢો.... મેલોધેલો સાવ બળેલો, તોયે નોખી ચમક આંખમાં આસપાસના જીવતર માંજે, એ માણસને શોધી કાઢો.... વીસ વરસથી ફાટયું સ્વેટર, હર શિયાળે પ્હેરી ફરતો બાળકના જાકિટને કાજે, એ માણસને શોધી કાઢો.... - પ્રતાપસિંહ ડાભી 'હાકલ'`